સમાજની સાથે...

માનવ એ સામાજિક પ્રાણી છે. તે એકલો રહી શકતો નથી. એકલો રહે તો તે કાં પશુ હોય કાં તો પરમહંસ પરંતુ આપણે સૌ તો માનવ છીએ. એટલે જ પરસ્પર હળવા, મળવા ને ભળવાનો મોકો મળે ત્યારે આપણે હોંશે હોંશે તે વધાવી લઇએ છીએ. કવિ શ્રી નિરજન ભગતના મનોહર શબ્દો છે:

‘કાળની કેડીએ ઘડીક આપણો સંગ,
રે ભાઇ ! ઘડીક આપણો સંગ,
તો યે આતમને લાગી જશે.
જનમોજનમ એનો રંગ ‘

આપણા સમાજનો સમૂહલગ્નોત્સવમાં જનમોજનમનો રંગ લાગી જાય એવા મિત્રો, સ્નેહીજનો, વડીલો અને યુવક-યુવતીઓનો મેળો ભરાય છે. આ પ્રસંગ જોઈને મન આનંદિત થઇ ઉઠે. સમૂહલગ્નો સમિતિના મંત્રી તરીકે સમાજે મને સેવા કરવાનો અવસર આપ્યો છે. તે માટે સમાજનો હુ ઋણી રહીશ.

વિશ્વકર્માદાદાના સૂચનથી દ્રિજદેવના પુત્રો મેવાડામાં વસવાટ કર્યો તે મેવાડા સુથાર કહેવાય. વિશ્વકર્માદાદાએ લવાક્ષ પાસે કરાવેલા હથિયાર વાંસલો, વીંધણું, હથોડી ,રંધો, ફરસી, કાટખૂણો કરવત, ગીરમીટ,શારડી, કુહાડી, ફેરવણું વગેરે દાદાએ સુથાર પુત્રોને પોતાની કારીગરી અને નિર્વાહ માટે અપાયા અને વાસ્તુને મળેલ અમૃત સુથાર પુત્રોને પીવડાવી અભય વચન આપ્યુ અને કહ્યુ ‘જાવ, હવે તમને હથીયાર વાગશે નહિ, વાગશે તો પણ ધનુર થશે નહિ, નિર્ભય રહેજો ‘ દાદાએ આપણને આગવી નજર, આગવી કુશાગ્ર બુધ્ધિ અને કૌશલ્ય આપ્યા છે. તેનો સાચી દિશામાં ઉપયોગ કરી મેવાડા સુથારના આગવી છાપ ઊભી કરી દાદાનું નામ રોશન કરીએ.

આજે મને લાગે છે કે મેવાડા સુથાર વિકાસને પંથે પદાર્પણ કરી રહી છે. એમાં આપણા અડાઆઠમ ગોળના જ્ઞાતિજનો પાછળ નથી એની બહુ ખુશી થાય છે.સર્વસંમતિથી ૧૬માં સમૂહલગ્નોત્સવનું મંત્રીપદ મે સંભાળ્યુ અને મારા આદર્શ નિર્ણયો મુજબ કામ થયા અને તેમાં સહુનો સહકાર મળ્યો એ મારે માટે અનેરો આનંદ અને સમાજ સેવાના સપનાનું વાવેતર મનમાં થાય છે જે જળવાઇ રહે તેની અભિલાષા રાખુ છુ.

સમૂહલગ્નોત્સવના સ્થાપકોને હુ વંદન કરુ છું. જેમના થકી શ્રીઅડાઆઠમ મેવાડા સુથાર સમાજના જ્ઞાતિજનો ભેગા મળી સમૂહલગ્નોત્સવનો આનંદ અનુભવે છે. પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, તફાપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, ખજાનચીશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓનો પણ હું આભારી છું.

શ્રી અડાઆઠમ મેવાડા સુથાર સમાજ સમુહલગ્ન/ યજ્ઞોપવિત ઉપરાંત,સેવાની ધૂપદાની લઇ વેલફેર સ્કીમની સેવા આપે છે. જે સમાજ માટે પવિત્ર અને મહાન કાર્ય છે. સમુહલગ્ન/ યજ્ઞોપવિત સમિતિ તેમજ વેલફેર સ્કીમના સભ્યોનો ઉત્સાહ અનેરો છે. દરેક સભ્યોએ પોતાનુ હીર સમાજ માટે બતાવેલ છે. તથા બીજી સામાજી પ્રવૃતિઓ જેવી કે યુવા સંમેલન, વિધવા સહાય જેવી પ્રવૃતિઓ માટે પણ વિચારી રહેલ છે. આપણા સમાજની દરેક શુભ પ્રવૃતિઓને સફળ બનાવવી તે આપણી નૈતિક ફરજ છે. અને સમાજના દરેક કાર્યમાં સહભાગી થઇ અમને આગળ વધવા માટે પ્રેરકબળ પુરુ પાડશો તેવી આશા સેવું છું.

ભગવાન રામે સ્થૂળ રીતે તો ભારત અને શ્રીલંકા વચ્ચે સેતુ બાંધ્યો હતો પરંતુ સૂક્ષ્મ રીતે જોતા એમણે વનવાસીઓ અને ઋષિમુનિઓ વચ્ચે, ભણેલા અને અભણ વચ્ચે, ગામડા અને નગર વચ્ચે સેતુ બાંધ્યો હતો. તેમ આપણે પણ સ્નેહનો ........સદભાવનાનો ...અને સમજદારીનો સેતુ બાંધ્યો છે.

હવે તો એ સેતુ દ્ર્ઢ થાય એવા આપણા પ્રયત્નો હજો. એકતાની એકપણ કાંકરી કદી ખરે નહી એવા આપણા પ્રયાસ હજો. આપણે એક હાથે આપીએ તો હજાર હાથવાળો હજારગણું કરીને પાછું આપશે.કણ આપો, પ્રભુ મણ આપશે. આપ જે આપો તે પરમત્માની બેંકમા જમા થશે. જેનુ કોઇ સરકાર કદી રાષ્ટ્રીકરણ નહી કરી શકે. સમાજ માટે જે દાનવીરોએ ઉદારતાની જે દાનગંગા વહાવી છે. તેઓ અભિનંદનના અધિકારી છે.

અનુસરો

સમાજ પ્રવૃત્તિઓ

 

જાહેરાતો